ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ વહીવટીતંત્ર એક્શન મોડમાં, કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી
પૂરના કારણે NDRF દ્વારા બચાવ કામગીરી કરાઈ, અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા.
આશરે ૩૫૦ જેટલા લોકોનું સ્થાળાંતર કરાયું
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીએ તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની ૬ ટીમ અને NDRFની ૧ ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, વહીવટીતંત્ર અને જિલ્લાના વિભાગોને સુચારૂ કામગીરી કરવા સુચના આપી હતી . ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા NDRFની સહાયથી આશરે ૩૫૦ જેટલા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરિત કરાયા હતા.
વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાળાંતરિત કરાયેલ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી અને દરિયામાં ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સવારે ૬-૦૦ વગ્યાથી જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ પર હાજર રહી નગરપાલિકાની ૬ ટીમ અને NDRFની ૧ ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ કરી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રાખવામાં આવશે અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે.
લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત રીતે બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. આ બચાવ કામગીરી વેળાએ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાશ્મીર નગર ખાતે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું
વલસાડ નગરપાલિકા દ્વારા ૬ ટીમ બનાવી નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. કાશમીર નગર વિસ્તારના આશરે ૨૨૫ લોકોનું વલસાડ પારડી ગુજરાતી સ્કુલ ખાતે, તરિયાવાડ વિસ્તારના આશરે ૬૦ લોકોનું સ્થળાંતર બેજાન બાગ ખાતે અને મોગરાવાડી છતરિયા વિસ્તારના આશરે ૫૦ લોકોનું વલસાડ મોગરાવાડી ગુજરાતી સ્કુલમાં સ્થાળાંતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી નિલેષ કુકડિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોજ ચાવડા, મામલતદારશ્રી (સીટી) સહિત અધિકારી કર્મચારીઓએ હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોઈ અનિચ્છ્નીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.




No comments