Translate

કિડની ખરાબ થતા યુવકની બેંકમાં નોકરી છુટી ગઈ, ડાયાલીસીસ માટે મહિને 13,200નો ખર્ચ આવી પડ્યો, સંકટ સમયે સરકારની આયુષ્યમાન યોજના વ્હારે આવી

છેલ્લા 3 માસથી વલસાડનો યુવક કસ્તુરબા હોસ્પિટલમાં અઠવાડીયામાં 3 દિવસ નિઃશૂલ્ક ડાયાલીસીસ કરાવી રહ્યો છે



સરકારની પ્રજાલક્ષી અનેકવિધ યોજનાઓ કઈ કઈ રીતે લોકોને ઉપયોગી થઈ રહી છે તેના અનેક કિસ્સા આપણને જોવા મળતા હોય છે પરંતુ વલસાડના અબ્રામાનો એક એવો કિસ્સો કે, જેમાં કિડનીની બિમારીના કારણે એક યુવકની નોકરી છુટી ગઈ અને અઠવાડીયામાં 3 વાર ડાયાલીસીસ કરાવવાનો ખર્ચ માથે આવી પડ્યો. આવી આર્થિક કટોકટીભરી સ્થિતિમાં સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેવી રીતે વરદાનરૂપ સાબિત થઈ, આવો તે જાણીએ તેના જ શબ્દોમાં... 

વલસાડના અબ્રામા ખાતે તુલસીવન ફળિયામાં રહેતા 27 વર્ષીય દિવ્યેશ અરવિંદભાઈ સોનારે વલસાડની કસ્તુરબા હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું કે, વર્ષ 2015માં હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે પેટમાં દુખાવો થયો હતો પરંતુ તે સમયે એટલું ગણકાર્યું ન હતું. પરંતુ દિવસે દિવસે દુખાવો વધતો જતા 2016માં મેડિકલ તપાસ કરાવી તો એક કિડની ખરાબ થઈ ગઈ હોવાનું જણાયું હતું. જેથી ઓપરેશન કરી એક કિડની કાઢવામાં આવી હતી. ત્યાર બાદ એક જ કિડની ઉપર જીવી રહ્યો હતો દરમિયાન કોલેજનું શિક્ષણ પુરુ થતા એક ખાનગી બેંકમાં નોકરી મળી હતી જે પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં ફરી દુખાવો શરૂ થતા હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મારી બીજી કિડની પણ ખરાબ થઈ રહી છે. જેથી હવે જીવવા માટે નિયમિત ડાયાલીસીસ કરાવવું એ જ એક માત્ર વિકલ્પ છે. જેથી ડાયાલીસીસ કરાવવા માંડ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં એક વાર ડાયાલીસીસ કરાવવા માટે રૂ. 1100 ચૂકવવા પડતા હતા અને એક અઠવાડીયામાં ત્રણ-ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડતું હતું, જેથી મહિને 13,200 રૂપિયા ચૂકવવા પડતા હતા. ડાયાલીસીસ કરાવવામાં દિવસના 4 થી 5 કલાકનો સમય નીકળી જતો હોવાથી બેંકમાં મારી નોકરી પણ છુટી ગઈ હતી. ઘરે પિતાજી વાપીમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બહેન કોલેજમાં અભ્યાસ કરી રહી છે અને માતા ગૃહિણી છે. દરમિયાન મારી નોકરી છુટી જતા પરિવારની આર્થિક સ્થિતિ દયનીય બની હતી. હવે દર મહિને ડાયાલીસીસ માટે રૂ.13,200 કયાંથી લાવવા તે વિકટ પ્રશ્ન ઉભો થયો હતો દરમિયાન મારા એક મિત્રએ મને ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ વિશે વાત કરી કહ્યું કે, આયુષ્યમાન કાર્ડ હોય તો નિઃશૂલ્કમાં ડાયાલીસીસ કરાવી શકશે. જેથી મે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યો હતો. બાદમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં છેલ્લા 3 માસથી એક અઠવાડીયમાં 3 વાર એમ નિઃશુલ્ક ડાયાલીસીસ કરાવી રહ્યો છું. હું સરકારનો હ્રદયપૂર્વક આભાર માનું છું કે તેમની આ યોજના થકી મારા પ્રાણમાં પ્રાણ પૂર્યા છે સાથે પરિવારની આર્થિક નબળી સ્થિતિમાં પણ સરકાર અમારા પડખે ઉભી રહી હોવાનો સતત અહેસાસ થઈ રહ્યો છે.

No comments