Translate

વલસાડ જિલ્લામાં 221 સેન્ટરો પર આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવા મહા અભિયાન હાથ ધરાશે

 રૂ. 5 લાખ સુધીના આરોગ્ય કવચ માટે છેલ્લા 20 દિવસમાં 20963 PM-JAY કાર્ડ આપવામાં આવ્યા


કાર્ડ માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ. 4 લાખથી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી

 20 જૂન આયુષ્માન ભારત અંતર્ગત મેગા કેમ્પ PM-JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડ ઇસ્યુ કરવાનું મહા અભિયાન વલસાડ જિલ્લામાં તા.21 જૂન 2022ને મંગળવારના રોજ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, CSC (કોમન સર્વિસ સેન્ટર) અને  ગ્રામ પંચાયત કચેરી ખાતે હાથ ધરાશે. 

આરોગ્ય વિભાગ તથા પંચાયત વિભાગના સંકલનથી છેલ્લા 20 દિવસમાં વલસાડ જિલ્લામાં 20963 અને છેલ્લા 7 દિવસમાં જ 8994 PM-JAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ કાર્ડ મોટી બીમારી સમયે કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીનું વિના મૂલ્યે ઓપરેશનનું કવચ પુરૂ પાડે છે. પાત્રતા ધરાવતાં તમામ લાભાર્થીઓને આ લાભ મળે એવા શુભ આશયથી તા.21 જૂન 2022ના રોજ જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, CSC (કોમન સર્વિસ સેન્ટર) અને ગ્રામ પંચાયત કચેરીઓ મળી કુલ 221 સેન્ટરો ખાતે સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના માટે સંલગ્ન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, તલાટી, ગ્રામ પંચાયત VCE અને આશા બહેનોનો સંપર્ક કરવાનો રહેશે. 

આયુષ્માન ભારત PM-JAY કાર્ડ ઇશ્યુ કરવાના આ મહા અભિયાનમાં કાર્ડ વિના મૂલ્યે બનાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા પડશે. જે મુજબ SECC (સામાજિક આર્થિક જાતિ ગણતરી) - 2011 મુજબ યાદીમાં નામ હોવું જરૂરી છે. તેમજ પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ હોવો જરૂરી છે. તેઓને નવા કાર્ડ બનાવી આપવામાં આવશે તથા તેમના કુટુંબના સભ્યોને પણ કાર્ડ બનાવી આપવામાં આવશે. નિયત માપદંડો ધરાવતા કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત આ કાર્ડ મળશે. મા વાત્સલ્ય કાર્ડને PM-JAY કાર્ડમાં કન્વર્ટ કરાવવા માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ. 4 લાખથી ઓછી આવક મર્યાદા તથા સિનિયર સિટીજનો માટે વાર્ષિક 6 લાખથી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી છે. સાથે આવકનો દાખલો પણ રજૂ કરવો જરૂરી છે. મા કાર્ડને PM-JAY કાર્ડમાં કન્વર્ટ કરાવવા માટે બીપીએલનો દાખલો (0થી 20 સ્કોર), આધાર કાર્ડ અને રેશન કાર્ડ રજૂ કરવાના રહેશે. જિલ્લામાં પાત્રતા ધરાવતા નાગરિકોને આ મેગા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

No comments