Translate

વિધાનસભા દંડકશ્રી રમેશભાઇ કટારાના હસ્‍તે ટોકનરૂપ ૧૬ જેટલા રોજગાર નિમણૂંકપત્રો, એપેન્‍ટિીસ કરારપત્રો અને ઇ- શ્રમ કાર્ડનું વિતરણ કરાયું:



જે યુવાનો પગભર થયા છે તેમણે અન્‍યોને પણ પગભર થવા સહાયરૂપ બનવું જોઇએઃ -  વિધાનસભા દંડકશ્રી રમેશભાઇ કટારા

કાર્યક્રમમાં ૧૦૦ જેટલા લાભાર્થીઓને લાભો અપાયાઃ                                             

રાજય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રધ્‍યેય સ્‍વ. અટલબિહારી વાજપેયીના જન્‍મદિવસ તા. ૨૫ મી ડિસેમ્‍બરથી રાજયભરમાં શરૂ થયેલી સુશાસન સપ્‍તાહના આજના છટ્ટા દિવસે વલસાડ જિલ્લાના પારડીના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ હોલ ખાતે રાજયના વિધાનસભા દંડકશ્રી રમેશભાઇ કટારાના હસ્‍તે રોજગારી પત્રો, એપ્રન્‍ટિસ કરારપત્રો અને ઇ- શ્રમ કાર્ડનું વિતરણ કરાયું હતું.

                આ પ્રસંગે દંડકશ્રી કટારાએ તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍વ. વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીના પદચિન્‍હો પર ચાલીને તેમના શાસન દરમિયાન રાજયના છેવાડાના માનવીઓ સુધી રાજય સરકારની યોજનાઓનો લાભો મળી રહે તે રીતે આજના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ અને તેમની સરકાર દ્વારા પગલાઓ લેવાઇ રહયા છે તેમ જણાવ્‍યું હતું. રાજય સરકાર સ્‍વ. અટલબિહારીના જન્‍મદિવસ તા. ૨૫ મી ડિસેમ્‍બરને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરીને તા. ૩૧ મી ડિસેમ્‍બર સુધી સુશાસન સપ્‍તાહની  ઉજવણી કરી સ્‍વ. અટલબિહારીને અંજલી આપી છે. 

               વધુમાં તેઓએ જણાવ્‍યું હતું કે, સૌના, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ દ્વારા જ રાજય સરકાર દરેક ક્ષેત્રે વિકાસ કરી રહી છે. આજે જે યુવાનો રાજય સરકારની યોજનાઓનો લાભ લઇને પગભર થયા છે તેઓએ પણ તેમના વિસ્‍તારના યુવાનોની યાદી બનાવી તેમને પણ પગભર થવા માટે સહાયરૂપ થવું જોઇએ એમ જણાવ્‍યું હતું.   

               આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલે સ્‍વ. વાજપેયીએ જે રીતે દેશનું નેતૃત્‍વ કર્યુ હતું તેની સરાહના કરી હતી. આ તબક્કે વધુમાં તેમણે કહ્યું કે, આઇ. ટી. આઇ. પાસ થયેલા જે યુવાનો છે તેમણે રાજય સરકાર દ્વારા મળતા લાભો લેવા અનુરોધ કર્યો હતો. આજના યુવાનોએ પોલીસ, લશકર જેવા રોજગારી ભરતી મેળાઓમાં સામેલ થઇને રોજગારી મેળવવી જોઇએ તેમ જણાવ્‍યું હતું.

             આ કાર્યક્રમમાં ૪૫ રોજગારીપત્રો, ૪૮ એપ્રેન્‍ટિસ કરાર પત્રો અને ૦૭ ઇ- શ્રમ કાર્ડ મળી કુલ ૧૦૦ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે લાભો અપાયા હતા. કાર્યક્રમમા સ્‍વાગત પ્રવચન આઇ. ટી. આઇ. પારડીના આચાર્યશ્રી બી. એ. ટંડેલે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુરૂષ અધ્‍યાપન મંદિર વાપીના અધ્‍યાપકશ્રી શૈલેષભાઇ પટેલે કર્યુ હતું.

            કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વાસંતીબેન પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખશ્રી હસમુખભાઇ રાઠોડ, ઉંમરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઇ ધાંગડા, જિલ્લા અગ્રણીઓ સર્વશ્રી કમલેશભાઇ પટેલ, રાજા ભાનુશાલી, શ્રમ આયુકતશ્રી જે. આર. જાડેજા, રોજગાર અધિકારીશ્રી રાઠવા અને સંબધિત વિભાગના અધિકારીઓ અને નગરજનો હાજર રહયા હતા. 

                                 

No comments