મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાપી ખાતે બેઠક યોજાઈ
પ્રજાકીય સુખાકારીના પ્રશ્નોને અગ્રીમતા ગુડ ગવર્નન્સ થકી પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાની હિમાયત :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઔદ્યોગિક નગરી વાપીના અનાવિલ બ્રાહ્મણ હોલ ખાતે જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામા આવેલી રજૂઆતોના ઝડપી ઉકેલની દિશામા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
આ વેળા ગુડ ગવર્નન્સ થકી પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે, જિલ્લા તથા શહેરની રજુઆતો અને પ્રજાકીય જન સુખાકારીના પ્રશ્નોને અગ્રતા આપી ઝડપી ઉકેલની દિશામા કાર્યવાહીની પ્રતિબદ્ધતા પણ વ્યકત કરી હતી.
બેઠકમા મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવીઓ સુધી સુપેરે પહોંચાડવાના સુદ્રઢ આયોજન કરવા ઉપર ભાર મુકયો હતો. તેમણે વલસાડ જિલ્લામા સરકારની અનેકવિધ યોજનાઓની તલસ્પર્શી વિગતો મેળવી જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોમા ઘન કચરાના નિકાલ માટે અસરકારક યોજનાનુ આયોજન કરવાની હિમાયત કરી, પદાધિકારીઓ અને અધિકારીઓના સુચારુ સંકલન સાથે પ્રજાહિતના કાર્યોને પ્રાધાન્ય આપવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામા કોવિડ-૧૯ સંદર્ભે સંભવિત ત્રીજી લહેર સામેના આયોજનની રૂપરેખા આપી જરૂરી ઓક્સીજન પ્લાન્ટ અને બેડની વ્યવસ્થા સહીત, સી.એમ.ડેસ્ક બોર્ડ, મનરેગા, આઈ.ખેડૂત પોર્ટલ, પશુપાલનની યોજનાઓ, પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના, ઉપરાંત જિલ્લામા કાયદો વ્યવસ્થા સહીત જિલ્લાની સમગ્રતયા કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીને વલસાડ શહેરમા એક અદ્યતન સર્કીટ હાઉસની આવશ્યકતા અંગે રજૂઆત કરી હતી.
બેઠકમા ગુજરાતના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રી એવા શ્રી નરેશભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી અલ્કાબેન શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સહીતના પદાધીકારીઓ, એ.ડી.જી.પી. શ્રી રાજકુમાર પાંડ્યન, શહેરી વિકાસ વિભાગના પ્રાદેશિક વડા શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ ગુરવાની, પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત સહિત જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
No comments