શ્રી સત્ય સાઈ સેવા સમિતિ-વલસાડ દ્વારા વિના-મૂલ્યે સીવણ ક્લાસનું (બહેનો માટે) ઉદ્ઘાટન, સર્વધર્મ સ્તૂપનું ઉદ્ઘાટન તેમજ "સાઈ આત્મનિર્ભર" કાર્યક્રમ અંતર્ગત ૫૦ કુટુંબોને આત્મનિર્ભર કરવામાં આવ્યા
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ - વલસાડ "માનવ સેવા એજ માધવ સેવા" ના સિધ્ધાંત ઉપર કાર્યરત્ છે, જેના થકી વખતોવખત આધ્યાત્મિક, શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે. આ અંતર્ગત આજરોજ એક આધ્યાત્મિક તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩ ઓમકારથી કાર્યક્રમનો પ્રારંભ કર્યા બાદ પ્રશાંતિ ધ્વજ મહાનુભાવો દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. શ્રી. ચંદ્રકાંત આર.પાટીલ સાહેબ [માનનીય સંસદસભ્ય, નવસારી (લોકસભા) તેમજ બી.જે.પી, ગુજરાતના અધ્યક્ષશ્રી] પોતાનો કિંમતી સમય કાઢીને વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા અને સંસ્થાને ખૂબ બિરદાવી હતી. ત્યાર બાદ શ્રી.મનોહર ત્રિકન્નાડ [માનનીય નેશનલ કાઉન્સિલ સભ્ય, શ્રી સત્ય સાઈ સેવા સંગઠન,ભારત] દ્વારા વિશાળ સર્વધર્મ સ્તૂપનું ઉદ્ઘાટન, સર્વધર્મ પ્રાર્થના તેમજ સર્વધર્મ ભજન સાથે કરવામાં આવ્યું હતું. આ બાદ ૫૦ જેટલા જરૂરિયાતમંદ કુટુંબો, કે જેમણે કોવિડ-19 રોગચાળાના કઠિન સમયમાં કમનસીબે પોતાનું રોજગાર ગુમાવ્યું હતું, તેમને રોજગારી આપવા માટે તેમને વિવિધ કીટ તેમજ મશીનો આપવામાં આવ્યા હતાં. માત્ર કીટ જ નહીં પરંતુ તેનાથી સંબંધિત કામ પણ સંસ્થા દ્વારા જ નક્કી કરી આપવામાં આવ્યું છે જેથી તેઓને આજીવિકા મેળવવા માટે રાહ જોવી ન પડે.
૨૦ કુટુંબોને સીવણના સંચા આપવામાં આવ્યા હતાં જેની સાથે સંચાની કિટ અને ઈલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવી હતી.
10 કુટુંબોને ઈલેક્ટ્રિશિયનના કામને લગતા દરેક સાધનો આપવામાં આવ્યા હતા, જેમ કે ડ્રિલિંગ મશીન, પાનાં અને પેચ્યાં, રબર ટેપ, મેઝર ટેપ, સ્ક્રુ-ડ્રાઇવર, પક્કડ વગેરે દરેક વસ્તુઓ આપવામાં આવી હતી.
૧૦ કુટુંબોને ખેડૂતોની કીટ આપવામાં આવી હતી, જેમાં ત્રિકમ, પાવડો, પારઈ, કરાડી,કોદાળી, છાંટકો, દાતરડું, પંજોટી તેમજ જંતુનાશક દવાના છંટકાવ માટેના પંપ વગેરે જેવા સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.
૧૦ કુટુંબોને લારી આપવામાં આવી હતી અને તેની સાથે ત્રાજવા (વજન કાંટા) તેમજ વજનીયા પણ આપવામાં આવ્યાં હતાં.ત્યાર બાદ વિનામૂલ્યે સીવણ ક્લાસનું (બહેનો માટે) ઉદ્ઘાટન શ્રી.અવિનાશ રાવ [માનનીય ઉપ-પ્રમુખ, શ્રી સત્ય સાઈ સેવા સંગઠન, ગુજરાત] દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ગોમાં મહિલાઓ અને બાળકોના વસ્ત્રોની હાથ તેમજ મશીન સિલાઈ જરૂરીયાતમંદ બહેનોને શીખવવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રમુખશ્રી હેમાંશુભાઈ જે. દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તબક્કે તેમણે ભગવાન બાબાનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.




No comments