ગુજરાતમાં હવે 29 શહેરોમાં નાઈટ કરફ્યૂ: 5 મે સુધી આકરા નિયંત્રણો મૂકાયા
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા 26 એપ્રિલે બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ સંદર્ભે આજે સીએમ રુપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કેન્દ્રની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે હવે 29 શહેરોમાં સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરવા સહિતના મહત્વપૂર્ણ નિયમો જાહેર કરાયા છે.
હાલ ગુજરાતમાં 8 મહાનગરો તેમજ 20 શહેરોમાં સાંજે આઠથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં છે. જોકે, હવે તેનો વ્યાપ વધારાયો છે. હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથમાં પણ આ કરફ્યૂ લાગુ રહેશે. આ ઉપરાંત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ 05 મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.
રાજ્યના તમામ 29 શહેરોમાં 05 મે સુધી અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ કર્યું છે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. જોકે, આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
આ ઉપરાંત, તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ 05 મે સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.

No comments