અમદાવાદ સહિત 4 શહેરોમાં રાત્રિ કરફ્યુ | ST વિભાગનો મોટો નિર્ણય
ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત)માં રાત્રિ કરફ્યુનો સમય લંબાવવામાં આવ્યો છે. ચારેય શહેરોમાં નાઈટ કરફ્યુની જાહેરાત બાદ હવે રાજ્યના એસટી વિભાગ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે ચારેય શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો પ્રવેશી શકશે નહી. સાથે જ મુસાફરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા માટેની એસટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
એસટી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, રાત્રિ કરફ્યુના નોટિફિકેશનને ધ્યાનમાં લઈને પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે દરેક વિભાગનો સંપર્કમાં રહીને આજ સાંજ સુધીમાં જરૂરી સૂચનાઓ આપી દેવાશે. જે કોઈ ઓનલાઈન રિઝર્વેશન થશે એમાં પણ મેસેજ સ્ક્રોલ થઈને આવશે, અને તેનો અમલ થશે. જે ચાર શહેરોમાં કરફ્યુની જાહેરાત થઈ છે ત્યાંથી છેલ્લો ડિપાર્ચર 9 વાગ્યાનો હશે. 9 વાગ્યા પછીના જે ડિપાર્ચર હશે તેને રિશિડ્યૂલ કરીને અગાઉની જેમ નજીકના સ્થળ પરથી બસો ઓપરેટ કરવાનો પરિવહન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઉપરોક્ત ચારેય મહાનગરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જે 31 માર્ચ 2021 સુધી રહેશે. ઉપરાંત ચારેય મહાનગરોમાં આજે રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

No comments