ગુજકેટ ઓગસ્ટ-૨૦૨૦ પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક જાહેરનામું - GUJCET
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહીં
વલસાડ જિલ્લામાં તા. ૨૪/૦૮/૨૦૨૦ના રોજ એક કેન્દ્ર ઉપર ગુજકેટ ઓગસ્ટ-૨૦૨૦ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્ત્વોના ત્રાસ/ ભય વિના શાંતિ અને સલામતીપૂર્વક પરીક્ષા આપી શકે તથા બિલ્ડિંગ કંડક્ટરશ્રીઓ અસામાજિક તત્ત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે અને તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે સરઘસ કાઢવાની, સભા ભરવાની તથા પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર વિસ્તારમાં બિનઅધિકૃત વ્યકિતઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર પરીક્ષાના તમામ અધિકૃત કેન્દ્રોની હદથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ઉપરોકત તારીખ દરમિયાન સવારના ૯-૦૦ થી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદઇરાદાથી જતી બહારની અનઅધિકૃત વ્યકિતઓને પ્રવેશ કરવો કે કોશિષ કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ, ધ્યાનભંગ થાય તેવું કૃત્ય કરવું કે કરાવવું નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇપણ ચીજવસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં મદદગીરી કરવી નહીં. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઉક્ત તારીખ અને સમય દરમિયાન ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહીં.
આ પ્રતિબંધાત્મક આદેશો લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા, રેલવે/ એસ.ટી.માં જનાર બોનાફાઇડ વ્યક્તિઓ તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારી/અધિકારીઓ, કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે મૂકાયેલ પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકશ્રીઓ, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમેન, તથા ઓળખપત્ર આપવામાં આવેલા હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

No comments