Translate

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો - વલસાડ જિલ્લાના ગામડાઓ


પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્‍યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્‍છા થાય છે. વલસાડ જિલ્લામાં એવા ઘણાં પર્યટન સ્‍થળો છે, જયાં કુદરતે પોતાનો જાદુ વિખેર્યો છે. એવા ગામો છે જયાં પ્રવાસીઓની ભીડ નથી, ફકત પ્રદુષણ મુકત કુદરતી વાતાવરણ અને શાંતિની અનુભુતિ છે.
ગુજરાત રાજયના છેવાડાનો જિલ્લો-વલસાડ, વલસાડ જિલ્લામાં વિલ્‍સન હીલ, બરૂમાળ કે પારનેરા ડુંગર વગેરે વિશે તો વલસાડ ગુજરાતભરમાં પ્રખ્‍યાત છે. પરંતુ સજનીબરડા, વાઘવળ કે કપરાડાના છેવાડાના અન્‍ય ગામોમાં નયનરમ્‍ય કુદરતી દ્રશ્‍યો જોવા મળે છે. કુદરતી સાપસીડી સમાન ઘાટના વળાંકવાળા રસ્‍તાઓ ચઢતાં પેટમાં ગુદગુદી ચોક્કસ થાય. પણ ડુંગર ઉપર પહોંચીને ત્‍યાંનો અજારો જુઓ તો મન તરોતાજા થઇ જાય છે. ફેકટરીઓના ધુમાડાની જગ્‍યાએ અવનવા આકાર લેતા સફેદ અને કાળા વાદળો જોવા મળે છે. આ મોસમમાં ઇન્‍દ્રધનુષ્‍ય જોવા મળવું એક મુસાફરીની બોનસ સમાન છે. જેને જોતા શરીરની સાથે મનનો થાક પણ ઉતરી જાય. ડુંગરોથી ઘેરાયેલા નાના-નાના ગામો-ઘરો નદી-તળાવ, ઝરણા, ખેતરોને માણવાનો લાહ્વો કંઇક ઓર જ છે. આ ગામોમાં કોઇ ચોક્કસ સેલ્‍ફી પોઇન્‍ટસ નથી પરંતુ ચારે બાજુથી ફોટા લઇ શકાય તેવા મનોહર વ્‍યુ પોઇન્‍ટ જરૂર છે. સોનેરી કિરણ ધરાવતો ઉગતો સૂર્ય હોય કે પછી કેસરીયો સાંજનો સૂર્ય હોય બન્ને દ્રશ્‍યો મનમોહક છે, જે ગામ અને ગામના લોકોમાં રહેલી શાંતી તથા જીવનની સ્‍થિરતાથી આપણો પરિચય કરાવે છે. ગામના લોકો સરળ, મિલનસાર અને સ્‍વભાવે ખૂબ જ માયાળુ છે. 

શહેરના ઘોંઘાટ અને પ્રદુષણથી તદ્દન વિપરીત અહ્‌લાદક તાજગી ભર્યું વાતાવરણ આ ગામોમાં જોવા મળે છે. બંધ પાણીની બોટલોની જગ્‍યાએ કોઇના ઘરનું માટલાનું પાણી પીવામાં સંતુષ્‍ટતા છે. ગામડાનું જમણ એટલે સ્‍વાદિષ્‍ટ જમણ. શહેરના લોકો એ કદી જોઇ કે ચાખી પણ ન હોય તેવી કુદરતી વનસ્‍પતિઓ, ભાજી-પાલો, ફળ-ફુલ ઉગી નિકળે છે. જેનું આરોગ્‍યવર્ધક ભોજન બનાવી ગામના લોકો સ્‍વાદના ચટકારા લેતા હોય છે. આવા ભોજન તમારે માણવા હોય તો કોઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીની સખી મંડળની બહેનો દ્વારા ચાલતી કેન્‍ટીનમાં પહોંચી જાઓ. અને ભોજનનો આનંદ માણો! નાસ્‍તાની ઇચ્‍છા થાય તો આવા મોસમમાં ગામની નાની-મોટી લારીઓ ઉપર સરસ મજાની આદુ-ફુદીનાની ચ્‍હા અને ગરમા ગરમ ભજીયા મળી જાય એટલે ભયો-ભયો! 

આસપાસના જંગલોમાં ભ્રમણ કરતા તાજગી ભર્યા વાતાવરણમાં શરીરની પાંચેય ઇન્‍દ્રિયો જાગૃત થઇ જાય છે. જેના થકી કયારેય ધ્‍યાન ન આપ્‍યું હોય તેવી બાબતો જેમ કે, જંગલના નાના-મોટા જીવ જંતુઓ, અવનવા રંગબેરંગી પુષ્‍પો, પક્ષીઓનો કિલકિલાટ પર તમારૂં ધ્‍યાન જાય છે. જંગલની અસીમ શાંતિમાં પક્ષીઓનો મધુર કલરવ આત્‍માને પ્રસન્નતા અર્પણ કરે છે. ધ્‍યાનથી નજર દોડાવશો તો પક્ષીઓ પોતાની અદભુત દિનચર્યામાં પરોવાયેલા જોવા મળશે. પક્ષીઓને પોતાના પર્યાવરણમાં અવનવી ક્રિયાઓ કરતા જોવાં એ દુર્લભ અવસર છે. 

વલસાડથી ધરમપુર ૩૦ કિમી થાય છે. ધરમપુરમાં આવેલુ વિજ્ઞાન કેન્‍દ્ર ગુજરાતમાં સૌથી જુનું અને જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર તરીકેનું સૌ પ્રથમ કેન્‍દ્ર છે. તેની જ બાજુમાં લેડી વિલસન મ્‍યુઝીયમ આવેલું છે. ધરમપુરથી ૭ કિ.મી દુર બરૂમાળ ભાવભાવેશ્વર મહાદેવના મંદીર છે. ત્‍યાંથી આગળ જતા ઘાટવાળા રસ્‍તાઓ આવે છે. ઘાટ પુર થતા પીપરોણી ગામે વાઘવળ રસ્‍તે જાઓ તો વરૂણ દેવ મંદીરના દર્શન કરવાનું ના ભુલાય. આ મંદિર કોઇ ભવ્‍ય ઇમારતો દ્વારા બનાવવામાં નથી આવ્‍યું. પરંતુ શાંત વાતાવરણમાં જેમ સમાધી લગાવીને ઋષિઓ ધ્‍યાન મુદ્રામાં બેઠા હોય તેમ એક ઝુંપડી નીચે વરસાદના દેવ બીરજમાન છે. અહીંથી સનસેટ પણ ખુબ જ આકર્ષક લાગે છે. જયાં સુધી નજર જાય ત્‍યાં સુધી ડુંગરોની હારમાળા દેખાય છે., અને આ હારમાળા સાથે વાત કરતા વાદળો, વાદળો સાથે ધીમે ધીમે વાતો પવન તનમનમાં અજબ સ્‍ફુર્તી ભરી દે છે. મંદિર અને તેના આસપાસનો વિસ્‍તાર કરમદાના ઝાડથી ઘેરાયેલો છે. જો તાજા-મીઠા કરમદા ખાવાનો શોખ હોય તો ઉનાળની સીઝનમાં અહીંની મુલાકાત જરૂર લેવી જોઇએ. ખાતા-ખાતા થાકી જવાય એટલા કરમદા અહીં મળશે અને એ પણ તદ્દન મફત-મફત-મફત! પણ શરીરે કાંટો ન વાગે તેનું ચોક્કસ ધ્‍યાન રાખવું. 
ઉત્તરાખંડમાં ‘વેલી એફ ફલાવર્સ' નામની જગ્‍યા છે, જયાં શિયાળાની મોસમમાં આખે આખા પહાડો અને ત્‍યાં જવાના રસ્‍તાઓની આસપાસ લાખો ફુલો ઉગી નિકળે છે. આવો નજારો આપણા વલસાડમાં પણ થાય છે. પંગારબારી ગામે પહોંચશો તો ત્‍યાં વિખ્‍યાત વિલ્‍સનહીલ કે શંકરધોધના રસ્‍તે આવા નજારો જોઇ શકાય છે. હાલ ચોમાસામાં આ તમામ જગ્‍યાના રસ્‍તાઓની આજુબાજુ રાણી, લાલ, પીળા અને સફેદ કલરના જંગલી ફુલો જોતા ‘વેલી ઓફ ફલાવર'માં આવી ગયા હોય તેવો ભાસ થાય છે. આ નજારાથી મુસાફરીનો રસ્‍તો માણવાની મઝા જ કંઇક ઓર થઇ જાય છે. વલસાડમાં દરેક ગામડાના રસ્‍તાઓ કંઇક અલગ અનુભવ કરાવે છે. 
ચારે બાજુ હરિયાળા ડુંગરોની વચ્‍ચે આવેલી વનરાજી, તેની વચ્‍ચે આવેલો નયનરમ્‍ય ગ્રામ્‍ય વિસ્‍તાર જોવા માટે ચોમાસાની સીઝનમાં જ નહીં પણ ચારેય મોસમમાં કયારે પણ પ્રવાસ કરી શકાય. દરેક મોસમમાં અહીં નીત નવીન દ્રશ્‍યો જોવા મળે છે. ગામડાના બાળકોને જુનવાણી રમતો રમતા જોઇ તમારા બાળકો મોબાઇલમાં ગેમ રમવાનું ભુલી જશે. તમારૂં પણ મન બાળક બનીને એકવાર ગીલ્લી ડંડા રમવાનું, નદી-ઝરણામાં ન્‍હાવાનું, ગામડાની શેરીમાં સાયકલનું પૈડલ ફેરવવાનું, ભમરડાને હાથમાં લેવાનું મન ચોક્કસ થશે. માં પ્રકૃતિના ખોળે સાદું સરળ જીવન માણવાનો લ્‍હાવો તો નસીબદારો જ માણી શકે. બાકી બીજા બધાએ તો શહેરોમાં પ્રદુષણ અને ટ્રાફિકના સથવારે જ જીવવું પડે છે! 
વન અને સહ્યાદ્રિની ગિરિકંદરાઓની ગોદમાં વનોનું સૌદર્ય નિહાળવા, કુદરતના ખોળે ખીલેલી વનવાસી બાંધવોની આગવી સંસ્‍કૃતિને જાણવા, વનશ્રીની વિહારભૂમિ સમી હરીયાળી અને રસાળ ધરતીના ખોળે બેસવાની મજા માણવા વલસાડ જિલ્લાના અંતિરયાળ વિસ્‍તારોની મુલાકાત લેવી પડે. હાલ કોરોના વાઇરસની મહામારીમાં ભીડભાડ વાળી જગ્‍યાઓ ઉપર જવાનું ટાળવું જરૂરી છે, એટલે હાલ આ વિસ્‍તારોમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્‍યો છે.

No comments