વલસાડ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થા જાળવણી અંગેની બેઠક મળી
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
આગામી તહેવારોને અનુલક્ષીને જિલ્લા પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા તમામ નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક નિયમન તથા ગંદકીમુકત નગર બને અને રખડતા ઢોરોનું તાત્કાલિક અસરથી નિયંત્રિત કરવા માટે લાંબા અને ટુંકા ગાળા માટે એકશન પ્લાન અમલમાં મૂકી શહેરીજનોને કોઇ હાડમારી ન પડે તે માટે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર શ્રી આર.આર. રાવલે સુચના આપી છે. તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરોને શહેરી વિસ્તારની સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા પણ જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.
પારડી નજીક ખડકી ખાતે નેશનલ હાઇવે ઉપર ચાલી રહેલા બ્રીજના કામના સ્થળે આપવામાં આવેલા ડાયવર્ઝનનો રસ્તો તાત્કાલિક રીપેરીંગ કરવા તેમજ જરૂર પડે તો વાઇન્ડીંગનીં કામગીરી કરી ટ્રાફિક નિવારવા સુચના આપવામાં આવી છે.
જિલ્લાની તમામ કંપનીઓમાં ફાયરની સુવિધા તેમજ ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશનની સઘન ચકાસણી માટે ૩૧ જેટલી ટીમ કામગીરી કરી રહી છે. કંપનીઓમાં કોઇ પણ ક્ષતિ નથી તે અંગેનું પ્રમાણપત્ર નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયને રજુ કરવાનું રહેશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર એન.એ. રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

No comments