Translate

વલસાડ જિલ્લા કોળી સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

બાળકોમાં શિક્ષણની સાથે સંસ્‍કારનું સિંચન થાય તે જરૂરી - પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

     વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજના શિક્ષણ ક્ષેત્રે તેજસ્‍વી તારલાઓ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તેમજ શિષ્‍યવૃત્તિ વિતરણનો કાર્યક્રમ પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના હોલમાં યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરનાર ધોરણ ૧૦ અને ૧૨ના ૧૩૪ કરતાં વધુ તેજસ્‍વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્‍ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. શિક્ષણક્ષેત્રે આગળ વધવા માટે સહાયરૂપ બનવા માટે ૨૪ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિનું વિતરણ પણ કરાયું હતું.
 પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજની પ્રવૃત્તિને બિરદાવતાં જણાવ્‍યું હતું કે, બાળકોમાં શિક્ષણની સાથે સંસ્‍કારનું સિંચન થાય તે જરૂરી છે. સમાજના બાળકોને શિક્ષણ સહિત અન્‍ય ક્ષેત્રમાં વિશિષ્‍ટ સિદ્ધિ માટે બિરદાવી પ્રોત્‍સાહિત કરવામાં આવે છે, જે જીવનમાં આગળ વધવા માટેનુ બળ મળી રહે છે. રમતગમત, મેડીકલ ક્ષેત્રે સમાજની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે, જે માટે તેમના પરિવારજનો અભિનંદનને પાત્ર હોવાનું જણાવી સમાજના દરેક વિદ્યાર્થીઓ ઉચ્‍ચ ડિગ્રી મેળવી ઉજજ્જળ કારકિર્દી બનાવે અને જે વિદ્યાર્થીઓ મહેનત કરી આગળ આવ્‍યા છે, તેઓ જીવનમાં ઇચ્‍છેલી સિધ્‍ધિઓ કરતાં વધુ મેળવે તેવી શુભકામના પાઠવી હતી. સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્‍થિતિમાં મદદરૂપ થઇ રહેલા સમાજશ્રેષ્‍ઠીઓ દીર્ઘાયુ બને તેવા આશીર્વાદ તેમણે પાઠવ્‍યા હતા. મંત્રીશ્રીએ રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની વિસ્‍તૃત જાણકારી આપી જરૂરિયાતમંદોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સખત અને સતત પ્રયત્‍ન કરી ચોક્કસ ધ્‍યેય સુધી પહોંચવા અનુરોધ કર્યો હતો. સમાજની ખૂટતી કડીઓ માટે સૌ આગેવાનો ભેગા મળી ચિંતન કરી સમાજને વધુ આગળ લાવી તેની પૂર્તતા કરવા માટેના પ્રયાસો કરવા તેમણે વધુમાં જણાવ્‍યું હતું. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દેશના વિકાસ માટે સતત કાર્યરત છે, તેમ જણાવી પાણીના પ્રશ્‍નોના નિવારણ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં અને રાજ્‍યના દરેક ગામ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સતત પ્રયાસો રહેશે, તેમ વધુમાં જણાવ્‍યું હતું. દમણગંગા યોજના માટે ખૂટતી કડીઓ જોડી સત્‍વરે યોજના પૂર્ણ કરી આ વિસ્‍તારમાં પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરી પીવાના પાણીની સમસ્‍યાનો ઉકેલ લાવવાના સરકારના પ્રયાસો હોવાનું તેમણે જણાવ્‍યું હતું. 
  વલસાડ ધારાસભ્‍ય તેમજ સમાજના પ્રમુખ ભરતભાઇ પટેલે શિક્ષણને લગતી સમાજની પ્રવૃત્તિઓની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે કોળી સમાજ ખૂબ જ આગળ વધી રહયો છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે. ગરીબ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓને સમાજના ભંડોળમાંથી સહાય આપી આગળ ભણવા માટે મોકલી આર્થિક રીતે મદદરૂપ થયા છે. દરેક સમસ્‍યાનો હલ શિક્ષણમાં સમાયેલો તથા શિક્ષણ માટે સરકાર જાગૃત છે અને ૩૦ ટકા જેટલું બજેટ શિક્ષણ માટે ફાળવવામાં આવે છે. કન્‍યાઓ માટે શિક્ષણનો તમામ ખર્ચ સરકાર ઉપાડી લે છે, જેના થકી આજે અનેક વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં આગળ આવી છે. ઉચ્‍ચ શિક્ષણ માટે ઓછા વ્‍યાજે રાજ્‍ય સરકાર દ્વારા લોન આપવામાં આવે છે, જેનો લાભ લઇ શ્રેષ્‍ઠ કારકિર્દીનું ઘડતર કરવા જણાવ્‍યું હતું. 
નવસારી નગરપાલિકા પ્રમુખ અમિતાબેન પટેલે જણાવ્‍યું હતું કે, સમાજનો વિકાસ થશે તો જ રાષ્‍ટ્રનો વિકાસ થશે. જે માટે શિક્ષણ, સમાજના નૈતિક મૂલ્‍યો જાળવવા, સમાજનું સંગઠન અને સહકારની ભાવના હોવી જરૂરી છે. સમાજને આગળ લાવવામાં દાતાઓનો સહયોગ મળી રહયો છે, જે સરાહનીય છે. બાળકો સમાજ માટે કંઇક કરવાની પ્રેરણા લઇ સમાજને ઉપયોગી થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્‍યું હતું.
વલસાડના યુરોલોજિસ્‍ટ જયંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, સમાજમાં તેજસ્‍વી વિદ્યાર્થીઓની સંખ્‍યા વધી રહી છે, જે અભિનંદનીય છે.  સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરી સારું ભવિષ્‍ય બનાવે તેવી શુભકામના પાઠવી હતી. 
ને.હા.૪૮ના કાર્યપાલક ઇજનેર કિંતેશભાઇએ જણાવ્‍યું હતું કે, કોઇપણ સમાજના ઘડતર માટે શિક્ષણ આવશ્‍યક છે. તેમણે સિધ્‍ધિ મેળવવા માટે પુરુષાર્થ જરૂરી છે તેમ જણાવી વિદ્યાર્થીઓને સતત પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો.
વલસાડ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પ્રકાશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, બાળકો અભ્‍યાસમાં સતત કાર્યરત રહે તે માટે તેમના માતા-પિતાઓ અભિનંદનને પાત્ર છે. 
આ અવસરે કોળી પટેલ સમાજના અગ્રણીઓ, કારોબારી સભ્‍યો, જ્ઞાતિજનો, દાતાઓ, વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. 

No comments